સુરતમાં સતત હત્યાઓની ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરતમાં ફરી એકવાર ચકચાર મચી જવા પામી છે. જોકે, આ વખતે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્ની સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી ગળું દબાવી તેની હત્યા કરી નાખવાનો મામલો સામે આપતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
કોલેજ પાસે આવેલી કોલોનીમાં રહેતા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા. ગત 13 સપ્ટેમ્બરના રોજ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝઘડો થતા આવેશમાં આવેલા પતિ પ્રકાશે પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં પતિએ પોલીસને જાણ કરી હતી કે તેની પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે.
આ પણ વાંચો: કેમ્પમાં રહીશું તો પત્ની અન્ય મર્દોના સંપર્કમાં આવશે, તેનાં કરતાં અમે ભૂખ્યાં મરીશું
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઉષા વસાવાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. દરમિયાન પતિએ કરેલી હત્યાનો ભંડો ફૂટી જવા પામ્યો હતો. તબીબોએ આપેલા રિપોર્ટના આધારે મહિલાનું ગળેટૂંપો આપી હત્યા કરવામાં આવી હોવાનો ધડાકો થતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પતિએ કબૂલાત કરી હતી કે સતત ઝઘડા બાદ તેણે ઉશ્કેરાયને પત્નીની હત્યા કરી નાખી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર