અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુર ખાતે રહેતા કિરીટ અમીન નામના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ કનુ પટેલ, યોગેશ પટણી, રાજુ દલાલ, એમ એમ સિંધી તથા મહેશ વાઘેલા નામના શખ્સો સાથે મળીને એક ગેંગ બનાવી સસ્તામાં સોનું અથવા ડોલર ખરીદી શકે તેવી વ્યક્તિને શોધતા હતા. આવી વ્યક્તિને પ્રથમ મિટીંગમાં અસલ સોનું તેમજ ડોલર બતાવી તેનો વિશ્વાસ કેળવીને રૂપિયા પડાવી લેતા હતા. બાદમાં નક્કી કરેલી જગ્યાએ બોલાવતા હતા. જ્યાં ગેંગના અન્ય શખ્સો પોલીસ તરીકેની ઓળખ આપીને કેસ કરવાની ધમકી આપી કેસ નહીં કરવા સમાધાન પેટે રૂપિયા પડાવી લેતા હતા. તેમ જ ડુપ્લીકેટ સોનું આપીને છેતરપિંડી પણ કરતા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં 22 IPSની બઢતી સાથે બદલી
છેલ્લા એક વર્ષમાં આરોપીએ તેના સાગરીતો સાથે મળીને મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાનના જુદા-જુદા વ્યક્તિઓને અમદાવાદ તેમજ નડિયાદની આસપાસના વિસ્તારોમાં બોલાવી દસથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. એટલું જ નહીં, આજથી બે મહિના પહેલા તેણે રાજસ્થાનના શાહરૂખ પટેલ અને મુંબઈના બાબાખાન નામના શખ્સ સાથે મળીને બાડમેરના એક વેપારીને ડુપ્લીકેટ સોનાનું બિસ્કીટ વેચ્યું હતું. જોકે, આ વ્યક્તિએ ફરીથી સોનાનું બિસ્કીટ મંગાવતા શાહરૂખના કહેવાથી 29 ઓગસ્ટના રોજ આ વ્યક્તિ અમદાવાદ ખાતે ડીલ કરવા માટે આવ્યો હતો. સોનુ લેવા માટે આવનાર વ્યક્તિ સાથે રાજસ્થાન પોલીસ હોવાનો શક પડતા જ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આરોપી બાડમેર પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
એટલું જ નહીં, આરોપી વર્ષ 2016માં મોડાસા મામલતદાર કચેરીમાં હંગામી ધોરણે નોકરી કરતો હતો. આ દરમિયાન ડુપ્લીકેટ ફિંગર પ્રિન્ટથી બનાવટી મા કાર્ડ અને બીજા બિલો બનાવવાના ગુનામાં મોડાસા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે તે વર્ષ 2019માં રામોલ પોલીસ સ્ટેશનમાં બનાવટી પોલીસના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Crime news, Gujarat News