અમરેલીના લોકોને મહાન ગાયિકા લતા મંગેશકર સાથે ખાસ લાગણી છે, કારણ કે તેમના ખાસ મદદનીશ મહેશભાઈ રાઠોડ, જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. મહેશભાઈ મુંબઈમાં લતા દીદીની સાથે જ રહેતા હતાં, મહેશભાઈનાં વતન પ્રત્યે લતાદીદીને ખાસ લગાવ હતો.
આથી જ અમરેલીનાં રાજુલાની આસ પાસ અને ખાસ મોરંગી ગામમાં વિવિધ કામ માટે તેઓએ લાખો રૂપિયાની સહાય પણ કરી છે. લતા મંગેશકરનાં અમરેલી અંગેનાં લગાવ અંગે વાત કરતા ધારાસભ્ય અમરીશ ડેર જણાવે છે કે એક સ્થાનિક સ્કૂલમાં લતા દીદીએ સવાલાખ રૂપિયાનું દાન કરેલું છે. આ સિવાય પણ તેઓએ અનેક સેવાકીય પ્રવૃત્તિ અહીં કરેલી છે.
મોરંગી ગામમાં લતા મંગેશકરે બનાવ્યું છે મંદિર
અમરેલીનાં રાજુલા પંથકમાં અને મોરંગી ગામમાં સાંઈ ભક્તોની સંખ્યા ખુબ જ હતી, આથી લતા દીદીએ તેમના સાંઈ પ્રત્યેની લાગણી જોઈને મોરંગી ગામમાં મંદિર બંધાવવાનું નક્કી કર્યું હતું, આ માટે ખાસ લતાદીદીએ મહારાષ્ટ્રનાં શિરડીમાંથી સાંઈબાબાની મૂર્તિ મોકલાવી અને ત્યારબાદ મૂર્તિની સ્થાપના કરવા માટે ખાસ શિરડી મંદિરનાં પુજારીને બોલાવવામાં આવ્યા હતાં.
આજે આ મંદિરે દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અને ખાસ અમરેલીના લોકો ગર્વથી કહે છે કે નાના એવા ગામમાં ભવ્ય મંદિર ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરે બંધાવી આપ્યું છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Hindu Temple, Lata Mangeshkar, Lord