અમદાવાદઃ હાલ લગ્નની સિઝન જામી છે. તેવામાં કોરોના બાદનો સમય આવતા જ છૂટછાટ સાથે આ વખતે વધુ પ્રમાણમાં લગ્ન પ્રસંગો હોવાથી પોલીસ પણ એક્ટિવ બની છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. અહીં લોકો લગ્નના તાલમાં એવા રંગાઇ ગયા કે આસપાસના રહીશોનો વિચાર સુદ્ધા પણ ન કર્યો અને જોરજોરથી ડીજે મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું હતું. જોરજોરથી ચાલતા મ્યુઝિકને કારણે અહીં રહેતા લોકોને હેરાનગતિ થઇ હતી. જેથી આ વિસ્તારમાંથી પોલીસને ફરિયાદ મળતા જ પોલીસ ત્યાં ત્રાટકી હતી. જ્યાં જઇને ખરાઇ કરતા પોલીસે જોરજોરથી મ્યુઝિક વગાડનાર વ્યક્તિ અને વરરાજાના પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક મોટા માથાઓ રહેતા હોવાથી તેઓ દ્વારા અનેકવાર પોલીસને જાણ કરાઇ હતી અને ના છૂટકે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની સૂચના છતાં નહીં માની વાત
સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે સમયે અનેક મોટા માથાઓ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરાઇ હતી કે તેમના વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્ન પ્રસંગમાં મોડે સુધી જોરજોરથી મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું છે. જેથી જઇને પોલીસે ખરાઇ કરી સૂચના આપી હતી, પણ છતાંય લગ્ન પ્રસંગમાં હાજર વરરાજાના પક્ષના લોકોએ વાત ન સમજી જોરજોરથી મ્યુઝિક વગાડી લગ્નના રંગમાં રંગાઇ ગયા હતા. જોકે, આખરે ફરી પોલીસને સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવતા પોલીસે ત્યાં જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેટેલાઇટ પોલીસે આ મામલે રત્નમણી પાર્ટી પ્લોટ જઇને નવરંગપુરામાં રહેતા અતુલભાઇ ઇન્દ્રવદન ભાઇ ભટ્ટ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અતુલભાઇના દીકરાના લગ્ન હોવાથી મોડી રાત સુધી જોરજોરથી મ્યુઝિક લાઉડ સ્પીકર પર વગાડતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
જ્યારે પોલીસે મ્યુઝિક વગાડનાર અભિષેક સુરતી સામે પણ ગુનો નોંધ્યો હતો. પોલીસે અભિષેક સુરતી પાસેથી માઇક, લાઉડ સ્પીકર, રિસિવર, એમ્પલીફાયર, ટ્રોલી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, જાહેરમાં ફટાકડા ફોડવા કે લાઉડ સ્પીકર વગાડવા માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે અને તેનું જાહેરનામું પણ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં મ્યુઝિક તથા ફટાકડા માટે મંજૂરી પણ લેવામાં આવે છે. જેમાં સમય લખીને આપવામાં આવે છે અને જો તે નિયમોનો ભંગ કરવામાં આવે તો પોલીસ દ્વારા આ રીતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.