US Fed announce Rate Hike by 75 bps straight third time


મુંબઈઃ અમેરિકાની કેન્દ્રિય બેંકે બુધવારે સતત ત્રીજીવાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કર્યો છે. સાથે જ 2023 સુધી વ્યાજ દરોમાં 4.6 ટકા સુધી જવાની શક્યતા દર્શાવી છે. હકીકતમાં વ્યાજ દરોમાં સતત વધારા પાછળ અમેરિકમાં બેફામ મોંઘવારી પ્રમુખ કારણ છે, અમેરિકામાં મોંઘવારી દર છેલ્લા 40 વર્ષોમાં સૌથી ઉપરના સ્તરે છે, જેને કાબુમાં કરવા માટે ફેડરલ રિઝર્વ સતત વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. વૉશિંગ્ટનમાં બે દિવસની બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી કહ્યું કે મોંઘવારીને લઈને જોડાયેલા જોખમો માટે તેઓ એકદમ ચોક્કસ છે. કેન્દ્રીય બેંકે એ પણ કહ્યું કે અમને આશા છે કે આગામી દિવસોમાં વ્યાજ દરોમાં સતત વધારો ટાર્ગેટ રેન્જની મર્યાદમાં રહેશે. સાથે જ તેમણે મોંઘવારીને ફરી 2 ટકાના દરે લાવવા માટેના પોતાના ઉદ્દેશ્ય અંગે વધુએકવાર પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે (Jerome Powell)એ મીટિંગ બાદ વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે અને તેની સાથે જ સેન્ટ્રલ બેંકનો બેન્ચમાર્ક ફંડ રેટ હવે 3%થી વધીને 3.25%ની રેન્જમાં પહોંચી ગયો છે. જે 2008ની નાણાકીય કટોકટી પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે. એ પણ રસપ્રદ છે કે આ વર્ષે 2022ની શરૂઆતમાં આ દર ઝીરો ટકા હતો. જો કે, આ પછી વૈશ્વિક ફુગાવાના કારણે યુએસ ફેડને તેના વ્યાજદરમાં આક્રમક વધારો કરવાની ફરજ પડી હતી.

નવેમ્બરમાં વ્યાજ દર ફરી 0.75% વધી શકે

માર્કેટમાં અફરાતફરી વચ્ચે બીજુ કારણ એ પણ છે કે ફેડરલ રિઝર્વ આગામી સમયામાં પણ વ્યાજ દર ફરી વધારી શકે તેવી પૂરી શક્યતા છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે US ફેડ પોતાના વ્યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે. સમિતિના સભ્યોએ આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દર 4.4% અને 2023 ના અંત સુધીમાં 4.6% સુધી પહોંચવાની શક્યતા દર્શાવી હતી. જે સૂચવે છે કે ફેડરલ રિઝર્વ નવેમ્બરમાં યોજાનારી બેઠકમાં ફરી એકવાર વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે.

ફેડ રેટ હાઈકથી ભારતીય બજારો તૂટ્યા

ફેડ રેટ હાઈકથી અમેરિકા અને અન્ય વૈશ્વિક બજારની જેમ ભારતીય બજારોએ પણ વેચવાલી તરફી વલણ અપનાવ્યું હતું અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તે પહેલા ભારતીય શેરબજારોએ બુધવારે પોતાની સતત બે દિવસની તેજીને બ્રેક મારીને ઘટાડા તરફી વલણ અપનાવ્યું હતું. ભારતીય બજારો બુધવારે ખૂબ જ વધારે ઉતાર ચઢાવવાળા સત્રના અંતે ઘટાડા સાથે બંધ થયા હતા. ત્યારે હવે જ્યારે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે તો રોકાણકારો વધુ સર્તર્કતા સાથે જોવા મળશે અને બજારમાં ખરીદી વધુ તંગ થયેલી દેખાશે.

ભારતીય બજારની સ્થિતિ બુધવારે આવી રહી હતી

જો ભારતીય બજારોની જ વાત કરીએ તો બુધવારે સેન્સેક્સ 263 પોઈન્ટના ઘટાડા સાથે 59,457 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 98 પોઈન્ટ ઘટીને 17,718 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી બેંકની વાત કરીએ તો બુધવારે નિફ્ટી બેંક 265 પોઈન્ટ ઘટીને 41,203 પર બંધ થયો હતો. તેમજ આ કોરાબારી સત્રમાં સૌથી વધુ ઘટાડો મેટલ, ઈન્ફ્રા, એનર્જી, ફાર્મા શેરોમાં જોવા મળ્યો હતો. બીજી તરફ FMCG શેર્સમાં સતત ત્રીજા દિવસે પણ વધારો જોવા મળ્યો હતો.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Repo rate, Stock market



Source link

Leave a Comment