બે વર્ષ બાદ છળકાયેલા ભુજના હૃદયની ઉજવણી સૌ કોઈ પોતાની રીતે કરી રહ્યા છે. ત્યારે ભુજના વડાપાવના વેપારી દ્વારા ભુજની જનતા માટે અનોખી ઑફર રાખવામાં આવી હતી. શહેરના સંદીપ વડાપાવ તરફથી આજે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન દરેકને નિશુલ્ક વડાપાવ ખવડાવ્યા હતા. ભુજના હૃદય સમું આ તળાવ છલકાયાની એવી તે ખુશી આ વેપારીને ઉભરી આવી કે પોતાની દુકાને આવતા દરેકને મફત વડાપાવ આપવાની જાહેરાત ગઈકાલે જ કરી હતી.
આજે હમીરસર તળાવના વાજતે ગાજતે વધામણાં કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો તેના વધામણાં કરવા તળાવના કાંઠે પહોંચ્યા હતા. ત્યારે સાંજે આ ઓફરનો લાભ લેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થયાની ખુશીમાં વેપારીએ 1200 જેટલા લોકોને પ્રેમથી વડાપાવ ખવડાવ્યા હતા અને તળાવ ઓગનવાની અનોખી ઉજવણી કરી હતી.
હમીરસર તળાવ સાથે બંધાયેલી લોકોની લાગણીઓ સાડા ચાર સદી જુનું છે. હમીરસર તળાવ તે સમયના રાજવી રાઓ ખેંગારજીએ બંધાવ્યું હતું અને તેમના પિતા રાઓ હમીરજીના નામે તેને હમીરસર નામ આપ્યું. સદીઓથી આ તળાવે પણ કચ્છના સારા અને નર્સ સમયમાં અહીંના લોકોને પાણી પૂરું પાડ્યું છે. આ તળાવનું બાંધકામ એ રીતે કરાયું હતું કે જે વર્ષે ભુજમાં વરસાદ ઓછું પડે તો ઉપરવાસના વિસ્તારથી પાણી યોજનાબદ્ધ રીતે બનાવાયેલી આવ થકી હમીરસરમાં પહોંચે છે.
આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ બંધાયેલી છે અને માટે જ આ તળાવ છલકાય એ પળ પણ સૌ માટે ખુશીનો પલ બને છે. શ્રાવણમાં દિવાળી આવી હોય તે રીતે અહીં ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિથી તળાવના વધામણાં થાય છે ત્યારે આખું શહેર હમીરસરના કિનારે ભેગો થાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ શહેરમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે છે, જેમાં માત્ર જ નગરપાલિકા નહીં પરંતુ જિલ્લા કલેકટર કચેરી સહિત દરેક સરકારી વિભાગોને રજા આપવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bhuj, Bhuj lake, Celebrations, Hamirsar lake