Nidhi Dave, Vadodara: ગુજરાત રાજ્યની વર્ષ 2022ની આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે વડોદરાના પ્રથમ વખતના મતદાતા ઋત્વી પટેલ અને તેના મિત્રોનું જૂથ તેમના જીવનમાં પ્રથમ વખત મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ બહેનપણીઓએ ભીડમાં અનોખા દેખાવા માટે અને લોકશાહીના તહેવારને ખૂબ જ વિશિષ્ટ રીતે ઉજવવા માટે મતદાનના ખાસ દિવસે ખાસ ડ્રેસ કોડ પહેરવાનું આયોજન કર્યું છે.
વડોદરા શહેરના યુવાનો મતદાન માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. જેને પગલે અવનવુ આયોજન તથા યોજનાઓ બનાવી રહ્યા છે. તથા લોક જાગૃતિ માટે પણ કાર્ય કરી રહ્યા છે.ઋત્વી પટેલ, પ્રાચી પટેલ, દીપ્તિ ઘેડિયા, હીર પટેલ તમામની ઉંમર 18 વર્ષ છે અને તેમનો પ્રથમ મત આપવા માટે ઉત્સાહિત છે. અત્યાર સુધી તેઓએ તેમના માતા-પિતા પાસેથી વોટના મહત્વ વિશે સાંભળ્યું હતુ, પરંતુ હવે તેઓ બધાય તેમના નેતાને પસંદ કરવા માટે આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. તેઓ મતદાનના દિવસે સમાન ડ્રેસ કોડનું પાલન કરશે અને તેઓ પોતે એક સાચા નાગરિક અને મતદાતા તરીકેની પોતાની જવાબદારી નિભાવશે.
આ દરેકની ઈચ્છા છે કે,આપણા સૌની નેતાગીરી કોઇ સક્ષમ નેતાના હાથમાં હોય જે પ્રજાલક્ષી મૂળભૂત સુવિધાઓ, પ્રશ્નો તેમજ સામાજિક સમસ્યાઓમાં મહદંશે સુધાર લાવીને પ્રજા પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારી નિસ્વાર્થ ભાવે નિભાવી શકે. સામાન્ય અથવા દરેક વર્ગના લોકો સાથે વધુ સારી રીતે સીધા સંપર્ક સાથે વાતચીત કરી શકે અને તેમના સાચા અર્થમાં સાચા વિકાસશીલ ભવિષ્ય વિશે વિચારે.
પ્રથમ વખતના મતદારો તરીકે તેઓ તેમનો પ્રથમ મત આપવા અને એક મતના મહત્વ વિશે વિશ્વને બતાવવા માટે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે સમગ્ર સમાજ અને દેશ માટે મોટો તફાવત લાવી શકે છે.